પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરંપરામાં શ્રીમદ ભાગવતનું વાંચન અભ્યાસ બહુ મહત્વનો છે. ખાસ કરીને જયારે કોઇ સ્વજન આ દુનિયામાંથી પ્રભુના ધામમાં જાય, એ વખતે ભાગવતની કથા કરવી એ જાણે કોઇ જાતની સામાજિક અને ધાર્મિક ફરજ જેવું છે. આ વાતો થી આપણો પ્રભુ પરનો પ્રેમ વધે, ઇશ્વર પરની શ્રદ્ધા વધે, ઇશ્વર તરફ જવાનો માર્ગ સરળ બને, સહજ બને એ પ્રયાસ છે. કારણ કે શરીર છોડ્યા પછી પણ આત્માની ગતિ અટકતી નથી. આપણા માટે કેમ સોમવાર પછી મંગળવાર મંગળવાર પછી બુધવાર એટલે આપણા જીવની ગતિ ચાલુ છે, શરીર છે, શરીર પતી જાય પછી પણ આત્માની ગતિ અટકતી નથી. એટલે આપણે કહીએ કે આત્માની સદગતિ થાય. તો આત્માની ગતિ ચાલુ છે એને ભાગવતની વાતોથી સદગતિ મળી શકે એવી શ્રદ્ધા આપણા ધર્મમાં છે.આપણે ભાગવતનો અભ્યાસ કરીએ, આપણા મનમાં જે ભાગવતના વિચારો આવે તે આપણી સાથે જે સ્વજનો જોડાયેલ છે, એમને પણ એનો અનુભવ થાય, અને બધાની મુક્તિ થઇ જાય. ભાગવતનો અભ્યાસ કરવો તે આપણો બહુ મોટો નિર્ણય છે, તો મનમાં આપણા સ્વજનો જેઓએ આ ભૌતિક દુનિયા છોડી દીધી છે એમનો વિચાર મનમાં રાખજો. કારણ કે આપણા બધા વિચારો શરીર છે ત્યા સુધી શબ્દોથી સંભળાય છે, પણ શરીર છૂટી જાય પછી આત્માને આપણા ભાવ નો પણ અનુભવ થાય છે. આપણી બધી ભાવનાઓ, આપણા વિચારો, સંકલ્પોનો એમને અનુભવ થાય છે. બધા સ્વજનોને યાદ કરીને ભગવાનને એક સંકલ્પ કરો કે આપણે જે ભાગવતનો અભ્યાસ કરીએ છીએ, એ ભાગવતના અભ્યાસનું પુણ્ય, એનો લાભ, આ બધા સ્વજનોને મળે. આ સ્વજનોની મુક્તિ થઇ જાય.
ભારતીય સંસ્કૃતિમાં ઘણાં બધા ધર્મગ્રંથો છે, ઘણાં બધા આચાર્યો છે, સંતો છે તેમ છતાં, માણસના મૃત્યુ પછી અથવા મૃત્યુ વખતે ભાગવતની કથા કરવી, ભાગવતનો અભ્યાસ કરવો, એવુ વિદ્વાનોએ, આચાર્યોએ નક્કી કર્યુ, પસંદ કર્યુ. ભાગવતમાં એવુ શુ છે કે જે કોઇ ધર્મ ગ્રંથમાં નથી? ઉપનિષદ છે, વેદ છે, આટલી બધી સ્મૃતિ છે, પણ બધા આચાર્યોએ એમ કીધુ કે, મૃત્યુ પછી અને મૃત્યુ વખતે, મૃત્યુ પહેલા પણ ભાગવતનો અભ્યાસ સર્વશ્રેષ્ઠ. ભાગવતમાં એવુ શુ છે કે તેને એટલું મહત્વ આપવામાં આવ્યુ છે? ભાગવત બહુ મોટો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ ગીતા કરતા ભાગવતમાં લગભગ પંદર હજાર શ્લોક છે, બાર સ્કંધ છે. આવી રીતે કુલ ત્રણસો પાંત્રીસ જેટલા અધ્યાય છે. એક એક સ્કંધમાં અઢાર થી વીસ અધ્યાય છે. એટલે કે એક સ્કંધમાં વીસેક અધ્યાય, એવી રીતે કુલ ત્રણસો ત્રીસ-પાંત્રીસ અધ્યાય છે અને 12 સ્કંધ છે. કુલ મળીને પંદર હજાર શ્લોક છે. તો આપણે દરરોજ એક સ્કંધ નો અભ્યાસ કરશુ. આમ તો ભાગવતનો અભ્યાસ કરવો હોય તો આખી જિંદગી જ આપવી પડે, આખી જિંદગી જ અભ્યાસ કરવો પડે. પણ આપણે, એક નાના વ્યક્તિ, નાની સમજ છે તો આપણાથી જે નાનો પ્રયાસ થઇ શકે એ કરશુ, તો આજે આપણે પહેલા સ્કંદની વાત કરશું.